Friday, November 27, 2015

Amazing laws in the world.

વિચિત્ર કાયદાઓ

૨૬ નવેમ્બર જયારે આપણા દેશમાં સંવિધાન દિવસ તરીકે ઉજવાય રહ્યો છે અને દેશમાં અસહિષ્ણુતાનો મુદો આખા દેશમાં ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે આપણે થોડી અલગ જ માહિતી મેળવીએ. આપણે આજે વાત કરીશું એવા કાયદાઓની જે ખુબ જ વિચિત્ર છે અને આપ આશ્ચર્યચકિત થઈ જશો કે દુનિયા માં આવા કાયદાઓ પણ છે! અને હા બીજો ફાયદો તમને એ પણ થશે કે, આમાંથી કોઈ પણ દેશમાં તમારે મુલાકાત કરવાનું થાય તો આ કાયદાઓની જાણકારી તમને જેલ અથવા મોટા દંડથી તમને બચાવી શકે.

સૌથી પહેલા વાત કરીએ અમેરિકાના કોલોરાડો રાજ્યની. તમને એ જાણીને નવાઈ લાગશે કે અહિયાં વરસાદનું, તમારા મકાનની છત પર પડેલું પાણી સંગ્રહિત કરવું એ ગુને છે! જી હા, આપે બિલકુલ સાચું જ વાચ્યું છે. આપણે અહી ભારતમાં એવા પ્રયાસો કરીએ છીએ કે લોકો વધુમાં વધુ વરસાદના પાણીનો સંગ્રહ કરીને પીવાના પાણી તરીકે આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરે. પણ આનાથી બિલકુલ વિપરીત કોલોરાડો રાજ્યનો કાયદો છે.

વાત પાણીની જ કરીએ છીએ તો વાત નાઇજીરીયાની કરીએ. આપને હમેશા જોયું હશે કે, વિદેશમાં રહેતા આપના સગા-વહાલા કે પછી મિત્રો આવે એટલે હમેશા મિનરલ પાણીની બોટલ સાથે જ રાખે અને માત્ર એજ પાણી પીએ. પણ નાઇજીરીયાના કાયદા પ્રમાણે ત્યાં મિનરલ પાણીની બોટલ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેથી વિદેશથી આવતા પ્રવાસીઓએ પણ આ કાયદાનું ધ્યાન રાખવું હિતાવહ છે. 

ચાલો હવે પાણીનું પાણી મુકીને વાત ઇલેક્ટ્રિક બલ્બની કરીએ. સામાન્ય રીતે જો આપના ઘરમાં કોઈ પણ બલ્બ ખરાબ થઈ જાય તો આપને બજારમાંથી નવો બલ્બ લાવીને જાતે જ બદલાવી નાખીએ છીએ. પણ સાવધાન, જો આપે ઓસ્ટ્રેલીયાના વિક્ટોરિયા રાજ્યમાં આવું કર્યું તો આપ ગુનેગાર બની જશો! છે ને બિલકુલ વિચિત્ર કાયદો? જી હા, અહી કાયદો એવો છે કે, કોઈ પણ સંજોગોમાં ઇલેક્ટ્રિક બલ્બ ફક્ત ક્વોલીફાયડ ઈલેક્ટ્રીશ્યન જ બદલાવી શકે!

હવે આપણે ઓસ્ટ્રેલીયાથી સીધા આપણા પાડોશી દેશ માલદીવ્સ પર આવીએ. આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. આપને કોઈ પણ ધર્મનું ધાર્મિક પુસ્તક વાચી અને ખરીદી શકીએ છીએ. પરંતુ માલદીવ્સમાં આવું નથી. ત્યાં કુરાન સિવાયના કોઈ પણ ધાર્મિક પુસ્તક પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો આપ માલદીવ્સ જવાનું વિચારતા હો તો સાથે બીજું કોઈ પણ ધાર્મિક પુસ્તક ન લઈ જવું.

વાત ધર્મની જ થાય છે તો, આપનામોટા ભાગના ધર્મ મુજબ પક્ષીઓને ચણ નાખવીએ પુણ્યનું કામ છે. પણ સેન ફ્રાન્સિસ્કો અને વેનિસ જેવા શહેરોમાં પક્ષીઓને ચણ નાખવીએ ગુનો છે. જો આપ પક્ષીઓને ચણ નાખતા પકડાવ તો મોટો દંડ થઈ શકે છે. આ કાનુન બનાવવા પાછળનું કારણ એવું આપવામાં આવ્યું છે કે, પક્ષીઓ મિલકતોને નુકશાન પહોચાડે છે અને અમુક પ્રકારના રોગ પણ ફેલાવે છે.

અત્યારે દેશ અને દુનિયામાં પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ફ્રાંસ ચર્ચામાં છે આ ફ્રાન્સમાં મરણોત્તર લગ્ન નામનો કાયદો છે. આ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામેલા વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. આ કાયદા મુજબ જે વ્યક્તિ આવા લગ્ન કરવા ઈચ્છે તેને મૃત્યુ પામેલા વ્યક્તિ સાથેના તેના સબંધો સાબિત કરવા પડે છે અને આવા લગ્ન માટે રાષ્ટ્રપતિની મંજુરી લેવી પડે છે. મોટા ભાગ ના કેશ માં મૃત્યુ પામેલા ફિયાન્સ અથવા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જોડે લોકો આવી રીતે લગ્ન કરે છે. પણ હા, મૃત્યુ પામેલી વ્યક્તિની કોઈ પણ સંપતિ પર લગ્ન કરનાર વ્યક્તિનો હક રહેતો નથી.

પ્રેમની વાત કરીએ છીએ તો વાત પતિ પત્નીના પ્રેમ ની કરીએ. કોઈ પણ પતિ માટે પોતાની પત્નીનો બર્થડે ભૂલી જવો જોખમી હોઈ શકે પણ શું ગુને બની શકે? જો તમે વિચારતા હો કે આ તો કેવી ગાંડા જેવી વાત છે યાર! ભુલાઈ જાય એ તો. એમાં ગુનો શું કહેવાય? પણ આવી આઝાદી સમોઆ નામના દેશ ના પતિઓને નથી. જી હા, સમોઆમાં જો તમે તમારી પત્નીનો બર્થડે ભૂલી જાવ તો એ ગુનો બને છે! 

શું મોબાઇલ કે પછી કોમ્પ્યુટરમાં ગેમ રમવું ગુનો હોઈ શકે? જવાબ છે હા! ગ્રીસમાં કોઈ પણ જાતની ઇલેક્ટ્રિક ગેમ પર પ્રતિબંધ છે(શું થતું હશે બિચારા કેન્ડીક્રશ પ્રેમીઓનું. હા..હા..હા..).ઘણા બધા પ્રવાસીઓ અજાણતા જ આ કાયદાનો ભોગ બની જાય છે. જેના ભાગ રૂપે મોટો દંડ અથવા તો જેલ થવાના કિસ્સા પણ છે.

અને છેલે એક એવો કાયદો જે ભારતમાં ‘સ્વચ્છ ભારત’ અભિયાનને સફળ બનાવી શકે છે! પણ ભારત જેવા અસહિષ્ણુ(અમુક લોકોના મત પ્રમાણે) દેશ માં આ કાયદો બિલકુલ શક્ય નથી. આ કાયદો છે સ્કોટલૅન્ડ દેશનો. કાયદા પ્રમાણે કોઈ પણ અજાણ્યું વ્યક્તિ જો તમારા ઘરના દરવાજા પર ટકોરા મારે અને તમારા ટોયલેટના ઉપયોગ માટે તમારી પરવાનગી માંગે તો તમે એને ના ન કહી શકો! મતલબ કોઈ પણ વ્યક્તિ જો અમુક સંજોગો વસાત(રોજે રોજ નહિ) તમારા ટોયલેટ નો ઉપયોગ કરવાની પરવાનગી માંગે તો તેને ના પાડવી એ સ્કોટલૅન્ડમાં ગુનો બને છે.

છે ને વિચિત્ર કાયદાઓ! એવું કહેવાય છે કે, એ દેશ વધુ સુખી છે જ્યાં ઓછામાં ઓછા કાયદાઓ હોય છે.
સમય, સંજોગો અને સ્થળ પ્રમાણે કાયદાઓ બદલાતા હોય છે. માટે હમેશા જાગૃત રહીએ અને કાયદાઓ નું પાલન કરીએ.


No comments:

Post a Comment